વચનામૃત ગઢડા છેલ્લાનું - ૯

સંવત ૧૮૮૩ના આસો સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પુષ્પના હાર તથા ગજરા વિરાજમાન હતા અને પાઘ ઉપર પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે સર્વે હરિભક્તને કહ્યું જે, જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે તે અમે તમને બાઈ-ભાઈ સર્વેને કહીએ તેને સાંભળીને પછી જેવી રીતે તમે સર્વે વર્તતાં હો ને જેવી તમને સ્થિતિ હોય તેવી રીતે તમે કહી દેખાડજો.

  એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) અમારા મુનિમંડળમાં જે મોટા મોટા સંત છે તેને એમ વર્તે છે જે પોતાના હૃદયને વિષે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે, તે દરવાજા ઉપર સર્વે સંત ઊભા છે, જેમ રાજાના ચાકર છે તે રાજાના ઘરને દરવાજે ઊભા રહ્યા થકા કોઈ ચોર-ચકારને રાજા પાસે જાવા દેતા નથી, અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે જે કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય, તો તેના કટકા કરી નાખીએ, પણ કોઈ રીતે રાજા સુધી પૂગવા દેઈએ નહિ, એવી હિંમતે સહિત ઢાલ-તરવાર બાંધીને ઊભા રહે છે, તેમ આ સર્વે સંત છે તે જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઊભા રહે છે ને એ જાણપણાને માંહી જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેનાં દર્શન કરે છે, અને તે ભગવાન ભેળું પોતાના હૃદયને વિષે ધન, સ્ત્રીઆદિક જે માયિક પદાર્થ તેને પેસવા દેતા નથી, અને કોઈ જોરે કરીને માયિક પદાર્થ હૃદયમાં પેસવા આવે તો તેનો નાશ કરી નાખે છે, પણ કોઈ રીતે જે ઠેકાણે ભગવાનને હૃદયમાં ધાર્યા છે તે ઠેકાણે પેસવા દેતા નથી, અને શૂરવીરની પેઠે સાવધાન થકા ઊભા રહે છે, અને હાણ-વૃદ્ધિ, સુખ-દુઃખ, માન-અપમાન આદિક અનંત જાતનાં વિઘ્ન આવે તેણે કરીને પોતાના મુકામથી ડગતા નથી. ત્યારે કોઈક આશંકા કરે જે, ત્યાંથી ડગતા નથી, ત્યારે દેહની ક્રિયા જે ખાનપાનાદિક તેને કેમ કરતા હશે ? તો તે દૃષ્ટાંતે કરીને કહીએ છીએ જે જેમ પાણિયારી હોય તે કૂવા ઉપર જળ સિંચવા જાય છે ત્યારે કૂવાના કાંઠા ઉપર પગ મૂક્યો હોય તેની પણ સૂરત રાખે છે જે રખે કૂવામાં પડી જાઉં અને બીજી વૃત્તિએ કરીને કૂવામાંથી પાણી સિંચે છે, ને વળી બીજું દૃષ્ટાંત : જેમ કોઈક પુરુષ ઘોડે ચડ્યો હોય ત્યારે ઘોડાના પેગડામાં પગ હોય ત્યાં પણ સુરત રાખે, અને ઘોડાની લગામ પકડી હોય ત્યાં પણ સુરત રાખે, અને દોડતા થકા વાટમાં ઝાડ આવે, ખાડો આવે, પથરો આવે, ત્યાં પણ સુરત રાખે, એવી રીતે આ સર્વ સાધુ છે તે અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને ભગવાનની સેવામાં પણ રહે છે, ને દેહની ક્રિયા પણ કરે છે ને પોતાની સ્થિતિમાંથી ડગતા નથી એવી રીતે શ્રીજીમહારાજે મોટા મોટા જે સંત તેની સ્થિતિ કહી દેખાડી, ને પછી એમ બોલ્યા જે, તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું, અને ભગવાન વિના બીજાં પદાર્થ વહાલાં થાવા દેવાં નહિ, એ વાતની અતિશે સાવધાની રાખવી અને જેમ રાજાનો ચાકર છે તે રાજા પાસે ગાફલ થઈને ઊભો હોય તો રાજા પાસે ચોર-ચકાર જઈને પૂગે ત્યારે એ ચાકરની ચાકરી ખોટી થાય. તેમ હરિભક્તને પણ ભગવાન વિના બીજાં પદાર્થમાં પ્રીત થઈ જાય તો જે ઠેકાણે પોતાના હૃદયને વિષે જાણપણામાં ભગવાન રહ્યા છે તે ઠેકાણે ધન, સ્ત્રીઆદિક બીજા પદાર્થ પણ પેસી જાય, ત્યારે એની ભક્તિ ખોટી થઈ જાય. માટે પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરનાં ચરણારવિંદને પામવાને ઇચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો તેને વિષે સાવધાન થઈને રહેવું, ને ભગવાન વિના બીજાં પદાર્થ ત્યાં પેસવા દેવાં નહિ, એવી રીતે શ્રીજીમહારાજે પોતાના સર્વ ભક્તજનને શિક્ષાનાં વચન કહ્યાં. (૧) ઇતિ વચનામૃતમ્‌ ।।।। (૨૪૩)

રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ચાર સાધને સંપન્ન એવા અંતર્દૃષ્ટિવાળા અમારા એકાંતિક સંત છે, તે હૃદયને વિષે જાણપણારૂપ અમારા ધામનો દરવાજો ત્યાં રહે છે, ને એ જાણપણાની માંહી જે અક્ષરધામ તેમાં અમારાં દર્શન કરે છે ને અમારા ભેળું પોતાના હૃદયને વિષે બીજું માયિક પદાર્થ પેસવા દેતા નથી, એવી રીતે અંતર્વૃત્તિએ અમારી સેવા કરે છે, ને દેહની ક્રિયા પણ કરે છે; ને પોતાની સ્થિતિમાંથી પણ ડગતા નથી, એવી રીતે સર્વેને વર્તવું. (૧) બાબત છે.

         પ્ર જાણપણારૂપ ધામનો દરવાજો કહ્યો ને તેની માંહી અક્ષરધામ કહ્યું ને મોટા મોટા સંત અક્ષરધામમાં ભગવાનનાં દર્શન કરે છે, ને દરવાજે પણ ઊભા રહે છે એમ કહ્યું તે દરવાજો ને અક્ષરધામ શું સમજવું ? અને સંત એ બે ઠેકાણે કેવી રીતે રહ્યા હશે ?

       અંતર્દૃષ્ટિવાળા સંત પોતાને ધામરૂપ માનીને તે અક્ષરધામમાં શ્રીજીમહારાજનાં દર્શન કરે છે, ને પોતાના હૃદય સામી દૃષ્ટિ રાખીને હૃદયને વિષે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિએ સહિત આત્મા-પરમાત્માના જ્ઞાનરૂપી જાણપણું છે, તે હૃદયને વિષે કામ-ક્રોધાદિક તથા સ્ત્રી-દ્રવ્યાદિક કોઈ પદાર્થનો સંકલ્પ થવા દેતા નથી. માટે જાણપણારૂપ જે જ્ઞાન તે રૂપ દરવાજો જાણવો અને તે દરવાજે સંત ઊભા છે, એટલે આત્મા-પરમાત્માના જ્ઞાનરૂપી શુદ્ધ વિચાર છે તે વિચારે કરીને માયિક સંકલ્પ હૃદયમાં થવા દેતા નથી, ને હૃદયને માંહી અક્ષરધામ છે તેમાં શ્રીજીમહારાજનાં દર્શન કરે છે. ।।૯।।